Breaking News

નવસારી મહુડીનાં શિક્ષક મિનેષ પટેલ શિક્ષણ સાથે સંકલ્પ ગૃપના માધ્યમ વડે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે

                 


નવસારી મહુડીનાં  શિક્ષક મિનેષ પટેલ શિક્ષણ સાથે સંકલ્પ ગૃપના માધ્યમ વડે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે.

 
          ભરૂચ જિલ્લાના ઝઘડિયા પ્રાથમિક તાલુકાની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિનેષભાઈ પટેલ શિક્ષણ સાથે સેવા સાધનાને સાર્થક કરી રહયા છે. સંકલ્પ વોટસઅપ ગૃપના માધ્યમ વડે વલસાડ થી છોટાઉદેપુર સુધી ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય તેમજ માર્ગદર્શન આપી રહયા છે. નવસારી જિલ્લાના મહુડીના વતની એવા મિનેષભાઈ પટેલ સંકલ્પ ગ્રુપના સ્થાપક સદસ્ય પૈકીના એક છે. તેમણે જણાવ્યું હતું કે, હોસ્ટેલ કે આશ્રમશાળામાં રહેતા બાળકો, ગરીબ અને મધ્યમવર્ગીય બાળકોનું ફી કે શૈક્ષણિક સામગ્રી વિના ભણતર ન અટકે, અધવચ્ચે અભ્યાસ ન છોડે એ માટે તેમને નોટબુકસ, ઓઢવાના ધાબળા, ચાદર, સ્ટડી કીટ, જે બાળકોને પાસે નવનીત કે ગાઈડ ન હોય તો બે બાળકો વચ્ચે એક સેટ, યુનિફોર્મ, કપડાં જેવી જરૂરી ચીજવસ્તુઓ ગ્રુપના ૧૦ હજારથી વધુ સભ્યો પૂરી પાડી છે. 
             સામાન્ય રીતે વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ ગોસિપ માટે, મનોરંજક પોસ્ટ શેર કરવા, એકેડેમિક કે વ્યાવસાયિક હેતુ માટે કરવામાં આવતો હોય છે, પરંતુ નોબેલ કોઝ એટલે કે ઉમદા હેતુ માટે વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ કરવાનું આ શિક્ષકમિત્રો પાસેથી શીખવા જેવું છે. સંકલ્પ ગૃપના નેજા હેઠળ સભ્યો વોટ્સએપ ગ્રુપ થકી ડિજીટલ ટેકનોલોજીનો સાર્થક ઉપયોગ કરી જરૂરતમંદ વિદ્યાર્થીઓ, નાગરિકોને આર્થિક મદદ કરી રહ્યા છે. સમાજમાં આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસમાં મદદરૂપ કુલ ૧૦ વોટ્સએપ ગ્રુપ કાર્યરત છે, જેમાં પ્રત્યેક ગ્રુપમાં ૧૦૨૪ સભ્યો સમાવિષ્ટ છે. સમાજસેવાના મુખ્ય ઉદ્દેશ સાથે કાર્યરત આ જાગૃત્ત સેવાભાવી નાગરિકોના સમૂહે આજ સુધી ૬૭ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રૂ.૧૨ લાખથી વધુની આર્થિક મદદ કરી છે. 
               મિનેષભાઈ કહે છે કે,  શિક્ષણ સિવાય સમાજનો ઉદ્ધાર નથી. નવી પેઢીને શિક્ષણ આપીશું તો જ સમાજને તેજસ્વી, સભ્ય અને હોનહાર નાગરિકો મળશે. બાળક ભણવામાં હોશિયાર હોય પણ ફી ભરવામાં સમસ્યા હોય તો અમે એવા બાળકોની માહિતી મેળવીને આર્થિક મદદ કરીએ છીએ. એકવાર જનજાગૃતિ આવશે પછી આવા સેવાકાર્ય માટે નાના લોકો પણ જરૂરતમંદોની મદદ માટે આગળ આવશે.  સાથે આદિવાસી ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા ગરીબ વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ યોજનાથી પણ વાકેફ કરીને સરકાર અને સહકારના સંયોગ વડે આદિવાસી વિસ્તારના યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવી રહયા છે.


No comments